મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપો: ખડગેનો PM મોદીને પત્ર

December 27, 2024

દિલ્હી : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. દિલ્હીના કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), સીપીસી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને અન્ય કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને પત્ર લખીને માંગ કરી છે કે, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવામાં આવે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ નેતાઓએ ચર્ચા કરી છે કે, દિવંગત પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને તેમના કદ મુજબ અંતિમ સંસ્કાર અને સ્મારક બનાવવા માટે યોગ્ય સ્થાન આપવું જોઈએ. આ માટે પરિવાર સરકાર સાથે વાત કરી રહ્યું છે.

કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે, ‘ખડગે અને મનમોહન સિંહનો પરિવાર અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની ઉંમરે નિધન થયું હતું. દિવંગત મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે શનિવારે સવારે 10-11 કલાકે દિલ્હીના શક્તિ સ્થળ પાસે થશે. તેમની પુત્રી આજે મોડી રાત્રે અમેરિકાથી દિલ્હી પહોંચશે. તેમનો પાર્થિક દેહ દિલ્હીના મોતીલાલ નેહરુ માર્ગ પરના તેમના નિવાસ સ્થાને રખાયો છે.


ભારતના પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર દરમિયાન વિશેષ રાજકીય પ્રોટોકૉલનું પાલન કરવામાં આવે છે. દેશ પ્રત્યે તેમનું યોગદાન અને તેમના પદની ગરિમાનું સ્માન કરવા માટે આ પ્રોટોકૉલનું પાલન કરવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાનના પાર્થિક દેહનો અંતિમ સંસ્કાર પહેલા  ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે તિરંકામાં લપેટવામાં આવે છે. આ ઉપરાંત અંતિમ સંસ્કાર વખતે 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે, જેને સર્વોચ્ચ રાજકીય સન્માનનું પ્રતિક માનવામાં આવે છે.