તલગાજરડા ગામે ભારે વરસાદના કારણે લોકોના ઘરને થયું મોટુ નુકસાન

June 18, 2025

મહુવાના તલગાજરડા ગામનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં સંદેશની ટીમ તલગાજરડા ગામે પહોંચી છે, 16 જૂને ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હતું અને વરસાદથી ગામના રોડ રસ્તાને ભારે નુકસાન થયું છે, રસ્તા પર ઠેરઠેર કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને 9 જેટલા કાચા મકાન ધરાશાયી થયા છે, લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઇ છે, લોકો માટે ગૌશાળામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરના મહુવામાં આવેલ તલગાજરડા ગામે ભારે વરસાદ વરસ્યો છે, 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતુ.

ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર ગામ પાણી પાણી થયું છે, ગામમાં જાણે દરિયો હોય તેવા દ્વશ્યો સામે આવ્યા હતા તો ખેડૂતના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ ગામમાં તંત્ર અને મામલતદારની ટીમ પહોંચી છે, ગઈકાલે જે લોકો પાણીમાં ફસાયા હતા તે લોકોનું રેસ્કયું પણ કરવામાં આવ્યું છે. મેઘવદર ગામે તળાવનો પાળો તૂટતા હાલાકી સર્જાઈ છે, તળાવનો પાળો તૂટતા પાણી ગામમાં ઘૂસ્યા છે અને વરસાદમાં ખેડૂતોએ વાવેલ બિયારણનું ધોવાણ થયું છે, ભારે વરસાદમાં પશુનો ઘાસચારો પણ તણાયો છે અને 8 થી 10 જેટલા મકાનો પણ ધરાશાયી થયા છે.