ઈસરોની સિદ્ધી, 36000 કિમીમાં નજર રાખવાની ક્ષમતાવાળું GSLV-F17નું સફળતાપૂર્વક લોન્ચિંગ

September 04, 2026

અંતરિક્ષથી દુશ્મનો પર રાખશે નજર, કુદરતી આફતો અંગે પણ અગોતરી જાણ કરશે

નવી દિલ્હી: જ્યારે ભારતીયો ભરપૂર નિંદર માણી રહ્યા હતા ત્યારે ઇસરોએ ઇતિહાસ રચી દીધો છે. અડથી રાતે ઇસરોએ EOS-05ને લઇ જનારા GSLV-F17ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ એક એડવાન્સ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. ISROના અનુસાર આ જિયોસિંક્રોનસ ઓર્બિટથી કામ કરનારો ભારતનો પહેલો ઇમેજિંગ સ્પેસક્રાફ્ટ હશે. EOS-05 એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જેને ઓર્બિટથી કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.  51.7 મીટર ઊંચા GSLV-F17એ શુક્રવારે સવારે 2:55 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી ઉડાન ભરી હતી.

 

આ લોન્ચ 27 કલાકના કાઉન્ટડાઉન બાદ થયું. મહત્વનું છે કે બુધવારે રાતે 11:30 વાગ્યે શરૂ થયું હતું. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર EOS-05 સફળતાપૂર્વક GSLV-F17થી અલગ થઇ ગયું છે, જેનાથી જિયોસિંક્રોનસ ઓર્બિટમા કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા ભારતના પહેલા ઇમેજિંગ સેટેલાઇટનું ડેપ્લોયમેન્ટ પૂરુ થઇ ગયું છે. હવે સેટેલાઇટ પોતાના ઓનબોર્ડ થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને ઘણાં મેન્યૂવર્સ દ્વારા પોતાની અંતિમ ઓપરેશનલ ઓર્બિટમાં લઇ જવાશે. 


EOS-05 ને પૃથ્વીથી લગભગ ૩૬,૦૦૦ કિમી ઉપરના ઓર્બિટમાંથી ભારતીય ઉપખંડ અને આસપાસના વિસ્તારો પર સતત નજર રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની જિયોસિંક્રોનસ ઓર્બિટ તેને એક જ મોટા વિસ્તાર પર વારંવાર નજર રાખવાની સુવિધા આપશે, કારણ કે તે પૃથ્વીના પરિભ્રમણ સાથે તાલમેલ બેસાડીને ચાલે છે. GSLV એ ત્રણ તબક્કાવાળું લોન્ચ વ્હીકલ છે, જેમાં સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક પ્રોપલ્શનનો ઉપયોગ થાય છે. GSLV માર્ક II માં સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજનો ઉપયોગ થાય છે અને તેને ISRO ના PSLV ની સરખામણીમાં ભારે સ્પેસક્રાફ્ટને વધુ ઉર્જાવાળી ઓર્બિટમાં પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કુદરતી આફતો અંગે પણ તે અગોતરી જાણ કરશે.