ઝારખંડમાં આકાશી વીજળીએ 13નો ભોગ લીધો, યુપીમાં 3ના મોત, અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ

August 05, 2026

દેશભરના વિવિધ રાજ્યોમાં મંગળવારે ભારે વરસાદ ખાબક્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળી પડી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના ત્રણ જિલ્લામાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

મીડિયા અહેવાલો પ્રમાણે ઝારખંડના ગિરિડીહ, દુમકા અને લાતેહાર જિલ્લામાં વીજળી પડતા આશરે 13 લોકોનું અકાળે મોત થયું છે અને 4 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે 13 મૃતકોમાંથી 8 મોત ગિરિડીહમાં, 3 મોત દુમકામાં અને બાકીના 2 લોકોના મોત લાતેહારમાં થયા છે. હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ હોવાથી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

વધુ વિગતે દુમકા જિલ્લાના રામગઢમાં વીજળી પડવાની 3 અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા છે. લાતેહાર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વીજળી પડવાના કારણે 3 લોકોના મોત થયા છે, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ પણ થઈ છે.

ઉત્તર પ્રદેશમાં વીજળીની અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. દેવરિયા જિલ્લાના આસનહાર ગામમાં 8 વર્ષની બાળકી ફોન ચાર્જ મુકવા જતી હતી ત્યારે કરંટનો ઝટકો લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઈટાહ જિલ્લાના રાધા વિહાર વિસ્તારમાં ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવતા 10 વર્ષના આરુષ નામના છોકરાનું મોત થયું છે જે તેના નાના ભાઈને ટ્યુશનમાં મુકીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે જોરદાર કરંટ લાગ્યો હતો. લખનઉના ગોસાઈગંજ ક્ષેત્રના રામવાગ ધામ અમેઠી મંદિરીમાં પણ વીજળીના કારણે 65 વર્ષીય પુજારીનું મોત થયું છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.