Breaking News :
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો Miss Universe 2026: 116 સુંદરીઓને પછાડી પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી, ભારતનું સપનું તૂટ્યું! કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો

બાંગ્લાદેશમાં બે દિવસ માટે લૉકડાઉન જાહેર, શેખ હસીનાની વાપસી પહેલા 8 શરતો મૂકાઈ

November 25, 2026

બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પરત ફરવાના એલાન બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને દેશના વિવિધ ભાગોમાં હિંસા તથા તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે અવામી લીગે 27 અને 28 નવેમ્બરના રોજ સમગ્ર બાંગ્લાદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. સાથે જ પાર્ટીએ પોતાની અનેક માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે, જેમાં પાર્ટી પર લાગેલો પ્રતિબંધ હટાવવા અને રાજકીય કેદીઓને મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

શેખ હસીના 16 ડિસેમ્બરે 1971ના મુક્તિ સંગ્રામની વિજય વર્ષગાંઠ નિમિત્તે બાંગ્લાદેશ પરત ફરવાના છે, જેને લઈને આગામી દિવસોમાં તણાવ વધુ વકરે તેવી શક્યતા છે. તેમની વાપસીની માંગ સાથે અવામી લીગ સક્રિય બની છે અને મંગળવારે દેશમાં મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બુધવારથી વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતાઓ છે.

શેખ હસીનાના પરત ફરવાના એલાન અને વધતા રાજકીય તણાવ વચ્ચે બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન પોતાનો ઑસ્ટ્રેલિયા-મલેશિયાનો પ્રવાસ ટૂંકાવીને દેશ પરત ફરી રહ્યા છે. આજે તેઓ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની વાપસી અને દેશની વર્તમાન તણાવભરી સ્થિતિ અંગે વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરવાના છે.

અવામી લીગની મુખ્ય માંગણીઓ

  • શેખ હસીના અને પાર્ટીના નેતાઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવે તેમજ રાજકીય હેતુથી પ્રેરિત નિર્ણયો રદ કરવામાં આવે.
  • અવામી લીગ પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને પાર્ટીને રાજકીય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવે.
  • તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે અને તેમની સામે ચાલતા મુકદ્દમા સમાપ્ત કરવામાં આવે.
  • દેશમાં વધી રહેલી મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં આવે અને વીજળી, ગેસ, પાણી, ઇંધણ, ખાતર તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવામાં આવે.
  • બંધ પડેલા ઉદ્યોગો ફરી શરૂ કરવામાં આવે અને બેરોજગાર કામદારોને રોજગારી આપવામાં આવે.
  • નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે; હત્યા, દુષ્કર્મ, ખંડણી, લૂંટફાટ અને ગેરકાયદે કબજા અટકાવવામાં આવે તેમજ મહિલાઓ, બાળકો અને લઘુમતીઓનું રક્ષણ થાય.
  • લશ્કરી-નાગરિક અધિકારીઓ અને પત્રકારો સામેના કથિત ખોટા કેસ પાછા ખેંચવામાં આવે અને અભિવ્યક્તિ તથા પ્રેસની સ્વતંત્રતા જળવાય.
  • ઉગ્રવાદ અને આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જેલમાંથી મુક્ત કરાયેલા આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની ફરી ધરપકડ કરવામાં આવે.