મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં બીમ ધરાશાયી

April 15, 2026

મુંબઈના બાંદરા-કુર્લા કોમ્પલેક્ષ (BKC) વિસ્તારમાં બુધવારે વહેલી સવારે મેટ્રો કામ દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. મેટ્રો પુલના થાંભલા પર ભારે વજનદાર બીમ ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ક્રેન બેલેન્સ ગુમાવી પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બીમ નીચે પટકાઈ ગયો અને સ્થળ પર ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટના સવારે અંદાજે ૪:૩૦ વાગ્યે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ બીમ ઉંચકતી વખતે ગિયર ફેલ્યર થતા આ અકસ્માત સર્જાયો હતો. જગ્યા મર્યાદિત હોવાથી બે ક્રેનની મદદથી કામ ચાલી રહ્યું હતું, જેમાંથી એક ક્રેન અચાનક અસંતુલિત થઈ ગઈ હતી.

સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક મજૂરોને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે. ઘટનાના બાદ મેટ્રો અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.