લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા

May 09, 2025

જમ્મુ : ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને બદલો લીધો.

માહિતી અનુસાર, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જોકે, સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

જમ્મુ અને પઠાણકોટ પર સુસાઈડ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા.

ઓપરેશન સિંદૂર પછીના દિવસે, એટલે કે બુધવાર-ગુરુવાર રાત્રે પાકિસ્તાને 15થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે રશિયા પાસેથી મળેલી S-400 ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાને નિષ્ફળ બનાવ્યો.

બદલામાં, ભારતે ગુરુવારે સવારે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો. આ માટે ઇઝરાયલથી મળેલા હાર્પી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુરુવારે બપોરે 2.30 વાગ્યે રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને પણ નિશાન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા.