રોમાનિયા : TikTokના ઘોડા પર સવાર નબળા ઉમેદવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતી ગયા

November 30, 2024

રોમાનિયા- જગતભરના લોકોને સોશિયલ મીડિયાએ ઘેલું લગાડ્યું છે. લોકો મનોરંજન મેળવવા, ટાઇમપાસ કરવા અને કમાણી કરવા માટે પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વપરાશ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની લોકપ્રિયતાથી તો સૌ પરિચિત છે, પણ શું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલું તાકતવર થઈ શકે ખરું કે કોઈ દેશની ચૂંટણીના પરિણામ બદલી નાંખે? 


હા, બની શકે. તાજેતરમાં એવું બન્યું છે. યુરોપના રોમાનિયા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે જેની જીતની કોઈને અપેક્ષા ન હતી એવા ઉમેદવાર જીતી ગયા છે.  24 નવેમ્બર 2024ના રોજ યોજાયેલ રોમાનિયાના પ્રમુખપદની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં સ્વતંત્ર ઉમેદવાર કેલિન જ્યોર્જસ્કુએ આઘાતજનક જીત હાંસલ કરી હતી. જ્યોર્જસ્કુને પ્રથમ રાઉન્ડમાં 22.94 ટકા વોટ મળ્યા હતા. 19.18 ટકા વોટ મેળવીને વિરોધી પાર્ટી સેવ રોમાનિયા યુનિયન’ના ઉમેદવાર એલેના લાસ્કોની બીજા ક્રમે આવ્યા હતા. ‘સોશિયલ ડેમોક્રેટ પાર્ટી’ના ઉમેદવાર અને વર્તમાન વડાપ્રધાન એવા માર્સેલ સિઓલાકુને 19.15 ટકા વોટ મળતા તેઓ ત્રીજા સ્થાને આવ્યા હતા અને રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા.


દેશની સર્વોચ્ચ અદાલતે પ્રમુખપદની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં પુનઃગણતરીનો આદેશ આપ્યો છે કારણ કે પ્રથમ રાઉન્ડમાં જે ઉમેદવાર પ્રથમ સ્થાને આવ્યા છે એ કેલિન જ્યોર્જસ્કુની જીતની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેઓ રોમાનિયામાં એકદમ ઓછા જાણીતા નેતા છે. ભૂતકાળમાં એમને ક્યારેય પાંચ ટકાથી વધુ મત મળ્યા ન હોવાથી એમની જીત શંકાની દૃષ્ટિથી જોવામાં આવી રહી છે. રોમાનિયાની ટોચની સુરક્ષા સંસ્થાએ જ્યોર્જસ્કુને મળેલા મત માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok ને દોષી ઠેરવ્યું છે, જેને કારણે કોર્ટે આ મુદ્દે તપાસ કરવાનું કહ્યું છે.