ઇરાન-અમેરિકા તણાવની અસર, સેન્સેક્સમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો, નિફ્ટી 23,300ની નીચે

June 03, 2026

અમદાવાદઃ ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ઘેરાયેલા વાદળોની અસર વૈશ્વિક ક્રૂડના ભાવો પર જોવા મળી છે. ક્રૂડના ભાવોમાં વધારાને કારણે ભારતીય શેરબજારો બુધવારના સેશનમાં સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા બાદ તેમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વધીને 97 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. સેન્સેક્સ મંગળવારે 74,649.84ની સપાટીએ બંધ રહ્યો હતો, 

બુધવારે 142.11 પોઇન્ટના ઘટાડા સાથે 74,507.73ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટી મંગળવારે 23,483.55ની સપાટીએ બંધ રહ્યો હતો અને બુધવારે 67.6 પોઇન્ટના ઘટાડા સાથે 23,415.95ની સપાટીએ ખુલ્યો હતો. સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા બાદ તેમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 200થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે 23,300ની નીચે આવી ગયો હતો. 

સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ પર નજર કરીએ તો આઇટી સેક્ટરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ટીસીએસ, એચસીએલ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ઇટર્નલે બજારને નીચેની તરફ ધકેલ્યું હતું. ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, એપોલો હોસ્પિટલ, ONGC અને કોલ ઇન્ડિયાના શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો હતો.