U Visa માટે ફેક લૂંટનું કાવતરું રચનાર ગુજરાતી મિતુલ પટેલ વિઝા ફ્રોડ કેસમાં દોષિત, અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ

August 01, 2026

અમેરિકામાં U Visa મેળવવા માટે નકલી લૂંટનું કાવતરું રચનાર મેસાચ્યુસેટ્સમાં રહેતા 40 વર્ષીય ગુજરાતી મિતુલ પટેલને અમેરિકન કોર્ટે વિઝા ફ્રોડના ગુનામાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટના ચુકાદા મુજબ તેને એક દિવસની જેલ, 1,000 ડોલરનો દંડ અને સજા પૂર્ણ થયા બાદ અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ મિતુલ પટેલે અગાઉ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોવાથી તેને સજામાં રાહત મળી હતી.

આ કેસમાં મિતુલ પટેલ એકલો સામેલ નહોતો. માર્ચ 2026માં અમેરિકન તપાસ એજન્સીઓએ કુલ 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં દિપીકા પટેલ અગાઉ જ ડિપોર્ટ થઈ ચૂકી હતી. જ્યારે અન્ય આરોપીઓમાં જિતેન્દ્ર પટેલ, મહેશ પટેલ, સંજય પટેલ, રમેશ પટેલ, અમિતા પટેલ, રોનક પટેલ, સંગીતા પટેલ, મિંકેશ પટેલ અને સોનલ પટેલના નામ સામેલ હતા. તપાસમાં સામે આવ્યું હતું કે મિંકેશ અને સોનલ ઓહાયોમાં રહેતા હતા, રમેશ પટેલ કેન્ટકીમાં રહેતો હતો, જ્યારે બાકીના મોટાભાગના આરોપીઓ મેસાચ્યુસેટ્સના રહેવાસી હતા.

માર્ચ 2026માં ધરપકડ બાદ મિતુલ પટેલ સહિત છ આરોપીઓને બોસ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસમાં સહકાર આપવાની શરતે કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ મિતુલ પટેલે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અંતિમ ચુકાદામાં કોર્ટે તેને એક દિવસની જેલની સજા ફટકારી હતી અને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો હતો. જો તે નિર્ધારિત સમયમર્યાદામાં સ્વૈચ્છિક રીતે અમેરિકા નહીં છોડે તો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) તેની ધરપકડ કરીને ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરી શકે છે.