વડોદરા- સભ્યો બનાવવાની હોડમાં પૂર્વ સાંસદે ગરબાના સિક્યોરિટી સ્ટાફને પણ ના છોડ્યો

October 04, 2024

વડોદરા- વડોદરાના પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ ગઈ કાલે રાત્રે ન્યુ સમા સ્થિત અયપ્પા મેદાન ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ગયા હતા, ત્યાં તેમણે ગરબા ગ્રાઉન્ડના સિક્યુરિટી સ્ટાફને ચિવટ પૂર્વક પાર્ટીના સદસ્ય બનાવી દીધા. જેના ફોટોગ્રાફ ખૂદ રંજનબહેને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શેર કર્યા છે. અગાઉ પણ તેમણે નિઝામપુરા સ્થિત બ્યુટી સલૂન સ્ટાફની તમામ મહિલાઓ ભાજપના સદસ્ય બનાવ્યા હતા. આ અગાઉ રંજનબહેન ભટ્ટે ન્યુ સમા રોડ વિસ્તાર સ્થિત બાલ ગોપાલ ગરબા ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ અને નાગરિકોને, વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામ ખાતે મહિલાઓને, જૂનાગઢ સ્થિત ભવનાથની તળેટી ખાતે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલા નાગરિકો તેમજ મહિલાઓને, ભાવનગર ખાતે વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક ડ્રાઇવ સંદર્ભે વકીલ મહિલાઓને, ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં આવેલ હીરા ઉદ્યોગના કારીગરોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા. હેલા રાજકીય પક્ષમાં લોકો સામે ચાલીને જઈને વિચારધારા સાથે જોડાઈને રાજકારણ કરતાં હતા, પરંતુ હવે રાજકારણીઓ માત્ર સંખ્યા બળ વધારવા માટે જ્યાં જાહેર જનતા દેખાય ત્યાં તેમના મોબાઈલ ફોનમાં OTP મંગાવી સદસ્ય બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.