ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હતા મંત્રી, વીડિયો વાઈરલ થતાં કહ્યું- હું રાજીનામું આપી દઈશ

July 22, 2025

ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમવાના આરોપોમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેએ મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અજીત પવાર અને સ્પીકર રાહુલ નાર્વેકરને તપાસ માટે પત્ર લખવા જઈ રહ્યો છું. જો તેમાં કોઈ સત્ય સામે આવશે તો હું શિયાળુ સત્રમાં રાજ્યપાલ પાસે જઈને મારું રાજીનામું આપી દઈશ. વિધાનસભા સત્ર દરમિયાન Rummy રમી રહેલા કોકાટેનો વીડિયો વાઈરલ થયો છે. તેને લઈને કોકાટેના રાજીનામાની માગને લઈને દબાણ વધી રહ્યું છે. કોકાટેનો વીડિયો શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે X પર પોસ્ટ કર્યો હતો.  ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ માણિકરાવ કોકાટેની ટીકા કરી હતી. તેમણે સોમવારે (21 જુલાઈ) મીડિયાને કહ્યું હતું કે, 'મારું માનવું છે કે આ ખૂબ જ અયોગ્ય છે. ભલે કોઈ વ્યક્તિ કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ ન લઈ રહ્યું હોય, છતાં પણ વિધાનસભાની ચર્ચા દરમિયાન ગંભીરતાથી બેસવું જરૂરી છે.' ફડણવીસે કહ્યું કે, 'ક્યારેક-ક્યારેક અખબાર વાંચતી વખતે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, પરંતુ કોઈને Rummy રમતા દેખાડવાનો વીડિયો બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે (મણિકરાવ કોકાટે) સ્પષ્ટતા કરી છે કે તેઓ Rummy નહોતા રમી રહ્યા, પરંતુ જે કંઈ થયું તે ગરિમાપૂર્ણ નથી.'