ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ

July 22, 2025

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. જોકે, હવે ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, હાઇકોર્ટમાં પણ ચૈતરની જામીન અરજીની સુનાવણી 5 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. નોંધનીય છે કે, આ પહેલાં નીચલી કોર્ટ અને સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, ત્યારબાદ AAP નેતાએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણીની મુદત પાડવામાં આવી છે. કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ન આપતા 5 ઓગસ્ટે સુનાવણીની મુદત આપી છે. જેના કારણે ચૈતર વસાવાને હજુ 5 ઓગસ્ટ સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ રહેવું રડશે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.