પાકિસ્તાનમાં જળપ્રલય, 200થી વધુ લોકોના મોત, 560થી વધુ ઈજાગ્રસ્ત

July 20, 2025

કરાંચી ઃ પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનના અંતમાં શરૂ થયેલી વરસાદની સીઝનમાં ધોધમાર વરસાદના કારણે પાકિસ્તાનમાં 200થી વધુ લોકો મોતને ભેટ્યા છે. જેમાં 100 બાળકો સામેલ છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય આપત્તિ નિવારણ વ્યવસ્થાપન સત્તામંડળે આ અંગે માહિતી આપી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, અનારાધાર વરસાદના કારણે પાકિસ્તાનના પંજાબમાં 123 મોત, ખૈબર પખ્તૂનખ્વામાં 40, સિંધમાં 21, બલૂચિસ્તાનમાં 16, ઈસ્લામાબાદમાં 1 અને POKમાં એક મોત થયુ છે. જેમાં મકાન ધરાશાયી થતાં 118 લોકો, પૂરના કારણે 30 લોકો મૃત્યુ પામ્યા હતાં. પૂરની સ્થિતિમાં ડૂબવાથી, વીજ પડવાથી અને ભૂસ્ખલનની ઘટના પણ વધી છે.


ભારે વરસાદના કારણે 560થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં 182 બાળકો સામેલ છે. રાવલપિંડીમાં અચાનક પૂર સર્જાતા ઘર, રસ્તાઓ ધોવાઈ ગયા હતાં. ચારેકોર જળબંબાકાર છે. જળ સ્તર ભયાનક સ્તરે વધી રહ્યું છે. અમુક વિસ્તારોમાં ઘણા ઘર પૂરમાં ગરકાવ થયા છે. આખે આખા ઘર ડૂબી જવાથી તબાહી મચી છે.


ફૈસલાબાદમાં પણ ધોધમાર વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. માત્ર બે દિવસમાં 11 લોકોના મોત નીપજ્યા છે, 60 લોકો ઈજાગ્રસ્ત છે. મોટાભાગના લોકોના મોત મકાન ધરાશાયી થવાથી થઈ છે. વરસાદના કારણે 32થી વધુ રસ્તાઓ ધોવાયા છે. પાકિસ્તાનમાં હજી તબાહીનો દોર ચાલુ છે. ખૈબર પખ્તૂનખ્વા અને ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ગ્લેશિયર નદીમાં પૂરની ભીતિ છે. ભારે વરસાદથી પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે.