ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે? નેતન્યાહૂએ કરી ભવિષ્યવાણી

October 19, 2026

ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ આશંકા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં અમેરિકામાં કોઈ એવા પ્રમુખ સત્તા પર આવી શકે છે જે ઈઝરાયલ પ્રત્યે વિરોધી વલણ ધરાવતા હોય. આગામી 27 ઓક્ટોબરે યોજાનારી સંસદીય ચૂંટણીઓ પહેલાં પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઈઝરાયલે અત્યારથી જ ભારત અને લેટિન અમેરિકા સહિતના અન્ય દેશો સાથે પોતાના રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત કરવા જોઈએ.  પોતાની સુરક્ષા નીતિ રજૂ કરતી વખતે નેતન્યાહૂએ કહ્યું કે, આગામી બે વર્ષમાં અમેરિકામાં એવા પ્રમુખ(પુરુષ કે મહિલા) સત્તામાં આવી શકે છે જે ઈઝરાયલના વિરોધી હોય. તેથી, ઈઝરાયલે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળનો ઉપયોગ પોતાની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત કરવા માટે કરી લેવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈઝરાયલે અમેરિકા સાથેના સંબંધો પર કામ ચાલુ રાખવાની સાથે સાથે અન્ય શક્તિશાળી દેશો સાથે નવા ગઠબંધન રચવા પડશે. આ સંદર્ભમાં તેમણે ભારતનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત કોઈ નાનો દેશ નથી અને લેટિન અમેરિકામાં પણ રાજકીય પરિવર્તનો આવી રહ્યા છે, જેનો લાભ ઈઝરાયલે લેવો જોઈએ. નેતન્યાહૂ પહેલા પણ ભારત અને પીએમ મોદી સાથેના સંબંધોને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. મે મહિનામાં પણ તેમણે ભારતને એક મોટી વૈશ્વિક શક્તિ ગણાવીને ઈઝરાયલ સાથેના તેના ખાસ સંબંધોની પ્રશંસા કરી હતી. જોકે, ઈઝરાયલ માટે અમેરિકા સાથેના સંબંધો હંમેશાં મહત્ત્વના રહ્યા છે, પરંતુ ભૂતકાળમાં બરાક ઓબામા અને જો બાઇડેન જેવા ડેમોક્રેટિક પ્રમુખના કાર્યકાળ દરમિયાન નેતન્યાહૂ સાથે કેટલાક મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નેતન્યાહૂની નીતિઓને કારણે જ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાં ઈઝરાયલ પ્રત્યેનું સમર્થન ઘટ્યું છે.