મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ

October 17, 2026

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને અમેરિકામાં 'હિલેરી રોડહમ ક્લિન્ટન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. વોશિંગ્ટન ડીસી સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટી ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને મોહમ્મદ યુનુસને 'ગ્રામીણ બૅન્ક' ક્ષેત્રે તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન માટે આ પુરસ્કાર એનાયત કર્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના 'સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન' (SEWA)ના ડિરેક્ટર રીમા નાણાવટી અને ટોરી બર્ચ ફાઉન્ડેશનના સ્થાપક ટોરી બર્ચ જેવી અગ્રણી હસ્તીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા પુરસ્કાર એનાયત કર્યા બાદ હિલેરી ક્લિન્ટને મોહમ્મદ યુનુસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમણે પોતે ગ્રામીણ બૅન્કનું કામ જોયું છે અને જે રીતે મહિલાઓ આત્મનિર્ભર બનીને સશક્ત થઈ છે તે અભૂતપૂર્વ છે. ડો. યુનુસે આ પહેલનો લાભ માત્ર બાંગ્લાદેશ પૂરતો સીમિત ન રાખતા સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યો છે. સન્માન મેળવ્યા બાદ મોહમ્મદ યુનુસે પોતાના 50 વર્ષના કાર્યને મળેલી માન્યતા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વર્તમાન શિક્ષણ પ્રણાલીની મર્યાદાઓ દર્શાવતા કહ્યું કે તે માત્ર નોકરી શોધનારાઓને તૈયાર કરે છે અને સાથે જ 'ગ્રામીણ યુનિવર્સિટી' શરૂ કરવાની તેમની યોજના વિશે માહિતી આપી હતી. બીજી તરફ, મોહમ્મદ યુનુસને મળેલા આ એવોર્ડને લઈને સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકાઓ પણ થઈ રહી છે. ઘણા યુઝર્સ તેને બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન (રિજીમ ચેન્જ) માટે મળેલું ઇનામ ગણાવી રહ્યા છે. ઓગસ્ટ 2024માં શેખ હસીનાના દેશ છોડ્યા બાદ મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની કમાન સંભાળી હતી. તેમના શાસનકાળ દરમિયાન દેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થયો હતો. અલ્પસંખ્યકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહેવા અને કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપવા બદલ તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે.