'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

October 17, 2026

21મી સદીમાં ઇન્ટરનેટ સામાન્ય જનજીવન માટે અત્યંત જરૂરી બની ગયું છે. દૈનિક કામકાજ હોય કે અભ્યાસ, દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. બેંકિંગથી લઈને ટ્રેન-બસની ટિકિટ બુક કરવા સુધી ઇન્ટરનેટ જરૂરી છે. હવે આ જ ઇન્ટરનેટને લઈને સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ફેંસલો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે ઇન્ટરનેટ એક્સેસને મૌલિક અધિકાર (ફંડામેન્ટલ રાઇટ) ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે બાળકો સહિત તમામ નાગરિકો માટે ઇન્ટરનેટ મેળવવું એ મૌલિક અધિકાર છે. પોતાના આ મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના આર્ટિકલ 19 અને આર્ટિકલ 21નો ખાસ ઉલ્લેખ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સુરક્ષાના નામે તેમને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે વંચિત રાખી શકાય નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે નોંધ્યું કે બાળકોની સુરક્ષા અને તેમની સ્વતંત્રતા એકબીજાના વિરોધમાં નથી, પરંતુ બાળકો બંનેનો અધિકાર ધરાવે છે. બેન્ચે જણાવ્યું કે ઇન્ટરનેટ સુધી પહોંચવાનો અધિકાર બંધારણના અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 19(1)(A) હેઠળ સંરક્ષિત છે. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માત્ર પોતાની વાત કહેવાનો જ નહીં, પરંતુ માહિતી મેળવવાનો, વિચારો જાણવાનો અને માહિતીની આપ-લે કરવાનો અધિકાર પણ શામેલ છે.  અદાલતે ઇન્ટરનેટને વિચારો, સર્જનાત્મક અભિવ્યક્તિ અને માહિતીનું એક મોટું માધ્યમ ગણાવતા કહ્યું કે તેનું મહત્ત્વ બાળકો અને વયસ્કો બંને માટે એકસરખું છે. દુરસંચાર અને દૂરના વિસ્તારોમાં રહેતા ઘણા બાળકો માટે ઇન્ટરનેટ શીખવા અને માહિતી મેળવવાનો એકમાત્ર સ્ત્રોત હોઈ શકે છે. આ ઉપરાંત, વિશેષ જરૂરિયાતો ધરાવતા (દિવ્યાંગ) બાળકો માટે પણ ઓનલાઇન ફોરમ ખૂબ મહત્વપૂર્ણ છે. આ માધ્યમથી તેઓ સમાન પરિસ્થિતિ ધરાવતા અન્ય લોકો સાથે જોડાઈ શકે છે અને દોસ્તી તથા સંવાદની તકો મેળવી શકે છે.