3 લાખ 20 હજાર શ્રદ્ધાળુઓએ અમરનાથના દર્શન કર્યા

July 21, 2025

3 જુલાઇથી શરૂ થયેલી અમરનાથ યાત્રા હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરે છે. ત્યારે જો વાત કરીએ તો, અત્યાર સુધીમાં 3 લાખ 20 હજાર શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. શનિવારે જ 6365 શ્રદ્ધાળુઓનો જથ્થો બે ભાગમાં જમ્મુના ભગવતી નગરમાંથી રવાના થયો હતો.

પ્રથમ કાફલામાં 92 વાહન બાલટાલ બેસ કેમ્પની રવાના થયા હતા જેમાં 2851 યાત્રી હતા. બીજા કાફલામાં 119 વાહનો હતા જે પહલગામ બેસ કેમ્પ માટે રવાના થયા હતા જેમાં 3514 યાત્રીઓ હતા. મહત્વનું છે કે આ વખતે પહલગામ આતંકી હુમલાને ધ્યાને રાખીને સુરક્ષા જબરદસ્ત કરવામાં આવી છે. સેના, બીએસએફ, સીઆરપીએફ અને એસએસબી તથા સ્થાનિક પોલીસની સાથે 180થી વધારે કંપનીઓ કેન્દ્રીય અને અર્ધ સૈનિક દળોને તહેનાત કરાયા છે. હાલમાં સુરક્ષાના કારણોસર હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ નથી.

મહત્વનું છે કે આ ગુફા સમુદ્રથી 3888 મીટર ઊંચાઇ પર છે. ત્યાં પહોચવાના બે રસ્તા છે. એક છે પહલગામથી જવાનું અને એક બાલટાલ. પહલગામથી યાત્રા કરો તો ચંદનવારી, શેષનાગ અનં પંચતરિણી થઇને 46 કિમીની પદયાત્રા 4 દિવસમાં કરીને ગુફા સુધી પહોંચાય છે. જ્યારે બાલટાલથી 14 કિમીની પદયાક્ષા કરીને ગુફાએ પહોંચી શકો છો.