અમેરિકાના પૂર્વોત્તર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન ત્રાટક્યું

February 23, 2026

ન્યુ જર્સી સહિતના અનેક રાજ્યોમાં ભારે બરફનું તોફાન સર્જાયું હતું. છેલ્લા દસકમાં આ સૌથી મોટું બરફનું તોફાન છે. સૌથી મહત્વની બાબત એ છે કે ન્યુ જર્સી, ડેલવેર અને ન્યુયોર્કના ગવર્નરો દ્વારા સ્ટેટ ઈમરજન્સી જાહેર કરાઈ છે. બ્લિઝાર્ડ વોર્નિંગ ન્યુ જર્સીના અનેક કાઉન્ટીઓમાં કટોકટી જાહેર કરાઈ છે, પવનની ગતિ 60 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ છે. ન્યુ જર્સીના બર્લિંગ્ટન, મોનમાઉથ અને ઓશન કાઉન્ટીમાં 20 થી 28 ઇંચ સુધી બરફ પડવાની શક્યતા છે. રાજ્યના હાઈવે પર સ્પીડ લિમિટ ઘટાડીને 35 માઇલ પ્રતિ કલાક કરી દેવામાં આવી છે.

ન્યુ જર્સી અને ન્યુયોર્કની મોટાભાગની સરકારી શાળાઓ 23 ફેબ્રુઆરી , સોમવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં અમેરિકાના પૂર્વોત્તર અને મિડ-એટલાન્ટિક રાજ્યો સૌથી વધુ પ્રભાવિત છે. ન્યુ જર્સી રાજ્યમાં ભારે હિમવર્ષાની અસર છે, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ન્યુ જર્સીમાં. ન્યુયોર્ક સિટી અને લોંગ આઈલેન્ડમાં રેકોર્ડબ્રેક બરફવર્ષાની શક્યતા છે. હાલ કલાકના બે થી ત્રણ ઇંચ બરફ પડી રહ્યો છે, શક્યતા છે કે સોમવાર સાંજ સુધીમાં 30 ઇંચ જેટલો બરફ પડે.