AAP નેતા સત્યેન્દ્ર જૈન 18 મહિના બાદ જેલમાંથી મુક્ત, દિલ્હી હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

October 18, 2024

દિલ્હી : દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ પક્ષના નેતા સત્યેન્દ્ર જૈન 18 મહિના બાદ જેલમાંથી બહાર આવશે. દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલે તેમના શરતી જામીન મંજૂર કર્યા છે. શરત હેઠળ સત્યેન્દ્ર જૈને બોન્ડ પેટે રૂ. 50000 જમા કરાવવાના રહેશે. જામીન આપતાં હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનની લાંબા સમયથી કસ્ટડીમાં હોવાનો હવાલો આપ્યો છે અને મનીષ સિસોદિયાના મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેતાં મૌલિક અધિકાર રૂપે ત્વરિત સુનાવણી કરવાના હક પર ભાર મૂક્યો છે.


કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતાં વ્યક્તિગત સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. ખાસ કરીને પીએમએલએ જેવા કડક કાયદા સંબંધિત મામલામાં વ્યક્તિની સ્વતંત્રતાને ધ્યાનમાં લેવી આવશ્યક છે. કોર્ટે મનીષ સિસોદિયા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધાર બનાવતાં જામીન મંજૂર કર્યા છે. આ મામલે તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ સત્યેન્દ્ર જૈનને જામીન ન આપવા દલીલ કરી હતી. જેનો વિરોધ કરતાં કોર્ટે કહ્યું કે, જૈનની લાંબા સમયથી અટકાયત થઈ હતી. અને આગામી ટૂંકસમયમાં કેસ પર કોઈ સુનાવણીની શક્યતાઓ જણાઈ રહી નથી. જેથી મનીષ સિસોદિયા કેસના નિર્ધારિત માપદંડોને આધારે જૈનને જામીન આપવા યોગ્ય ગણાશે.