સરહદ ભલે એક દુશ્મન 3 હતા, ચીને પોતાના હથિયાર ટેસ્ટ કર્યા: સેના ઉપપ્રમુખ

July 04, 2025

મુંબઈ : પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય આર્મી ફોર્સે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકી ઠેકાણો પર હુમલો કર્યો હતો. હવે ભારતીય સૈન્યના વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે દાવો કર્યો છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત એક રીતે ત્રણ શત્રુ દેશો સાથે લડી રહ્યું હતું. પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ચીન પાકિસ્તાને લાઈવ અપડેટ્સ આપી રહ્યું હતું. આ ઉપરાંત તુર્કીયે પણ તેની મદદ કરી રહ્યું હતું. આ રીતે ભારતીય સેના એક સરહદ પર ત્રણ શત્રુ દેશો સાથે લડી રહી હતી. ડેપ્યુટી આર્મી ચીફ રાહુલ સિંહે FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, ચીન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને લાઈવ અપડેટ્સ આપી રહ્યું હતું. આ રીતે, ચીન પાકિસ્તાનને સંપૂર્ણ મદદ કરી રહ્યું હતું અને તેણે કોઈ કસર ન છોડી.
નવા યુગની મિલિટ્રી ટેકનોલોજી વિષય પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, 'આપણી પાસે સરહદ એક હતી, પરંતુ શત્રુ બે હતા અને વાસ્તવમાં ત્રણ હતા. પાકિસ્તાન સામે હતું અને ચીન પાછળથી તેને તમામ મદદ કરી રહ્યું હતું. પાકિસ્તાન પાસે જે હથિયારો છે તેમાંથી 81% હથિયાર તો ચીનના જ છે. આ રીતે, ચીને અન્ય હથિયારો સામે પોતાના હથિયારોનું ટેસ્ટિંગ પણ કરી લીધું. આ રીતે ચીન માટે પોતાના હથિયારોના ટેસ્ટિંગના હેતુથી એક લાઈવ લેબ બની ગઈ. આવી જ રીતે તુર્કીયેએ પણ પાકિસ્તાનને પોતાની રીતે સંપૂર્ણ મદદ કરી. જ્યારે DGMO લેવલની ચર્ચા થઈ રહી હતી, ત્યારે પાકિસ્તાનને સંપૂર્ણ અપડેટ્સ ચીન તરફથી મળી રહ્યા હતા.'


લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે કહ્યું કે, 'આપણી પાસે એક મજબૂક એર ડિફેન્સ રહેવી જ જોઈએ જેથી આપણે પાકિસ્તાન અને ચીનના જોખમનો એક સાથે સામનો કરી શકીએ. સંપૂર્ણ ઓપરેશન દરમિયાન હવાઈ સુરક્ષા કેવી રહી તે મહત્ત્વપૂર્ણ છે. આ વખતે આપણા નાગરિકોને વધારે નુકસાન ન થયું, પરંતુ આપણે આપણી એર ડિફેન્સ સિસ્ટમને વધુ મજબૂત કરવી પડશે.' તેમણે આ દરમિયાન ભારતીય સેનાની પ્રશંસા કરી અને કહ્યું કે, 'આપણે પાકિસ્તાનમાં ખૂબ જ સટીકતા સાથે હુમલા કર્યા અને એ જ ઠેકાણાને ટાર્ગેટ કર્યા, જ્યાંથી આતંકવાદીઓને ટ્રેનિંગ મળી રહી હતી.'