બિહારમાં ભાજપના મંત્રી નકલી દવાના કેસમાં દોષિત ઠર્યા, વિપક્ષે માગ્યું રાજીનામું

July 04, 2025

નીતિશ કંઈ કહેવાની હિંમત કરી શકતા નથી: રોહિણી આચાર્ય

બિહારની નીતિશ સરકારમાં ભાજપના મંત્રી જીવેશ કુમાર નકલી દવા કેસમાં દોષિત જાહેર થયા હતા. હવે વિપક્ષે તેમની સામે મોરચો માડ્યો છે. કોંગ્રેસે મંત્રી જીવેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. રાજસ્થાનની રાજસમંદ કોર્ટે ગયા મહિને તેમને 15 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જો કે, બાદમાં તેમને 7000 રૂપિયા દંડ ભરવા અને સારું વર્તન જાળવવાની શરતે મુક્ત કરાયા હતા.


અહેવાલો અનુસાર, બિહારના શહેરી વિકાસ મંત્રી જીવેશ કુમારના રાજીનામાની માંગ કરતા, કોંગ્રેસ મીડિયા સેલના અધ્યક્ષ રાજેશ રાઠોડે કહ્યું કે, 'ભાજપે જીવેશ કુમારને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ. તેમના નકલી દવા નેટવર્કની તપાસ થવી જોઈએ.' પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે પણ મુખ્યમંત્રી નીતિશ કુમારને જીવેશ મિશ્રાને બરતરફ કરવાની માંગ કરી છે.


રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પણ નીતિશ સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, 'આ એક લાચાર અને અચેત મુખ્યમંત્રીની સરકાર છે. એક નકલી દવાનો વેપારી પણ હજુ પણ મંત્રીની ખુરશી પર છે. નીતિશ કુમારને ખુરશી સાથે વળગી રહેવાની આદત છે, તેથી તે કંઈ કહેવાની હિંમત પણ કરી શકતા નથી, એક સાબિત થયેલા દોષિત મંત્રીને કેબિનેટમાંથી દૂર કરવાની તો વાત જ નહીં.'