દિલ્હી કોંગ્રેસને ઝટકો, અધ્યક્ષ પદેથી અરવિંદરસિંહ લવલીનું રાજીનામુ

April 28, 2024

લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી થઇ રહી છે. એક બાદ એક નેતાઓ દ્વારા કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે. ત્યારે હવે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષે હવે કોંગ્રેસને અલવિદા કહ્યું છે. શું છે કારણ, કેમ આપ્યુ રાજીનામુ તે વિશે અરવિંદર સિંહ લવલી શું કહે છે તે વિશે જાણીએ.

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદર સિંહ લવલીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. લવલીએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. તેમણે પોતાના રાજીનામામાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ લવલી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની વિરુદ્ધમાં હતા. પોતાના રાજીનામા પત્રમાં અરવિંદર સિંહ લવલીએ લખ્યું છે કે જે પાર્ટી કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને આગળ વધી તે પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.