આણંદમાં નવરાત્રિમાં મોટી દુર્ઘટના ટળી, ભારે પવનના લીધે મુખ્ય એન્ટ્રી ગેટ ધરાશાયી થતાં અફરાતફરી

October 10, 2024

આણંદ :   હવે ધીમે ધીમે શેરી-ગરબાનું ચલણ ઘટતું જાય છે અને ઠેર-ઠેર પાર્ટી પ્લોટોમાં મોટા મોટા આયોજકો દ્વારા પ્લાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આવા પાર્ટી પ્લોટમાં પાસની કિંમત પણ ખૂબ ઉંચી વસૂલવામાં આવે છે તેમછતાં પણ સુવિધાના અભાવે ખેલૈયા અને દર્શકોના જીવનું જોખમ રહે છે. આવી જ એક ઘટના આણંદથી સામે આવી છે જેમાં શહેરના હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય એન્ટ્રી ગેટ ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. 

નવરાત્રિના સાતમા નોરતે આણંદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના લીધે આણંદના જાણિતા હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડમાં બનાવેલો મુખ્ય એન્ટ્રી ગેટ એકાએક ધડામ દઇને ધરાશાયી થઇ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જેથી આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક મુખ્ય ગેટ ધરાશાયી જતાં ખેલૈયા અને દર્શકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.