11 મુસ્લિમ ઉમેદવાર વચ્ચે BJPના હિંદુ ઉમેદવારનો જલવો, 50,000ની લીડથી આગળ

November 23, 2024

યુપીની પણ કેટલીક બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર થયું છે. મુરાદાબાદની કુંદરકી બેઠક પર મોટો અને રસપ્રદ ઉલટફેર જોવા મળ્યો છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા કુંદરકીમાં એકમાત્ર હિન્દુ ઉમેદવારે મોટી લીડ મેળવી છે.

આ હિંદુ ઉમેદવાર ભાજપના રામવીર ઠાકુર છે. જેઓ 50 હજારથી વધુ મતોથી આગળ છે. જ્યારે સપાના મજબૂત નેતા અને ઉમેદવાર હાજી મોહમ્મદ રિઝવાન 12 વાગ્યા સુધી માત્ર 7 હજાર મત મેળવી શક્યા. હાલમાં ચાલી રહેલા વલણો અનુસાર કુંદરકીથી ભાજપના રામવીર ઠાકુરની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

આ બેઠકની રસપ્રદ વાત એ છે કે કુંદરકી પેટાચૂંટણીમાં ભાજપે 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે એકમાત્ર હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. હાજી મોહમ્મદ રિઝવાન, જેમને સપાએ પોતાનો ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ લગભગ 40 વર્ષનો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ 2002માં કુંદરકી બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા પરંતુ 2007માં તેઓ બસપાના હાજી અકબર સામે હારી ગયા હતા. પરંતુ 2012 અને 2017માં તેમણે પુનરાગમન કર્યું અને સતત બે વખત કુંદરકી બેઠક જીતી. આ બેઠક સપાનો ગઢ માનવામાં આવે છે પરંતુ આ વખતે ભાજપે સપાનો ગઢ તોડ્યો છે જે અખિલેશ યાદવ માટે દુઃસ્વપ્નથી ઓછું નથી.