આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની જોગવાઈ

June 01, 2026

ગુજરાતમાં જનગણના- 2027’નો આવતીકાલે તા. 01 જૂન 2026થી શુભારંભ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા ગુજરાત સરકારે અનુરોધ કર્યો છે. વસ્તી ગણતરી નિયામકના જણાવ્યા મુજબ રાજ્યભરમાં આવતીકાલે તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન પ્રથમ તબક્કામાં ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા. 17 મે-2026થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરો સહિત જાગૃત નાગરિકો સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે. આમ, વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા. 30 મે 2026ની સ્થિતિએ કુલ 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે. જેમાંથી 3.30 લાખની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના 44 હજારના સ્વ-ગણતરી ફોર્મ હાલ પ્રક્રિયામાં છે. રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ વખતની જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિશેષ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરદાતાઓએ તા. 17 થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ પર પોતાની વિગતો જાતે નોંધાવી છે.