ગોલ્ડ-સિલ્વરના ભાવમાં કડાકો! ચાંદીની કિંમતમાં એકઝાટકે રૂ. 10 હજારથી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તું

March 16, 2026

સામાન્ય રીતે યુદ્ધ જેવી વૈશ્વિક અસ્થિરતામાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા હોય છે, પરંતુ હાલમાં અમેરિકા-ઈરાન યુદ્ધના તણાવ વચ્ચે પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઉલટી ગંગા વહી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે.

સોમવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.  શુક્રવારે 2,59,435 રૂપિયા પર બંધ થયેલી ચાંદી સોમવારે ખુલતાની સાથે જ 2,48,474 રૂપિયા પર આવી ગઈ હતી. એટલે કે ચાંદીમાં એક જ દિવસમાં 10,961 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. ગત 29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયા ના ઐતિહાસિક સ્તરે હતી. જેની સરખામણીએ અત્યાર સુધીમાં ચાંદી પ્રતિ કિલો 1,71,574 રૂપિયા જેટલી સસ્તી થઈ ચુકી છે.

ચાંદીની પાછળ પાછળ સોનામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનું 1,58,466 રૂપિયાથી ઘટીને 1,55,315 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આમ, સોનામાં પ્રતિ 10 ગ્રામ 3,151 રૂપિયાનો ઘટાડો થયો છે. 29 જાન્યુઆરીએ સોનું 1,93,096 રૂપિયાની ટોચે હતું, ત્યાંથી અત્યાર સુધીમાં સોનું 40,874 રૂપિયા જેટલું સસ્તું થયું છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈરાન વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ છતાં ભાવ ઘટી રહ્યા છે. 27 ફેબ્રુઆરીએ સોનું 1,62,104 રૂપિયા હતું, જે અત્યારે ઘટીને 1.52 લાખ રૂપિયાની આસપાસ છે. નિષ્ણાતો આ ઘટાડા પાછળ વૈશ્વિક બજારના અન્ય આર્થિક પરિબળો અને રોકાણકારોના વલણને કારણભૂત માની રહ્યા છે.