ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન

September 09, 2026

અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. બુધવારે ટ્રેડિંગની શરૂઆત થતાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 600 થી વધુ પોઈન્ટ્સ ગગડી ગયો હતો. આ તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 23,500 ની મહત્ત્વપૂર્ણ સપાટી તોડીને નીચે આવી ગયો હતો. બજારની આ કડાકા ભરેલી સ્થિતિથી રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ભયાનક સ્તરે યુદ્ધ શરૂ થતાં ફરી એકવાર ક્રૂડ ઓઈલની કિંમત 100 ડૉલરને આંબી ગઈ છે જેના કારણે બજારનો મૂડ બગડ્યો છે.

બુધવારે શેરબજાર ખુલ્લું મૂકાતાની સાથે જ સેન્સેક્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. 30 શેરો ધરાવતો આ ઇન્ડેક્સ પોતાના અગાઉના બંધ 75,577 ની સરખામણીએ ઘટીને 75,216 ના મથાળે ખુલ્યો હતો. ત્યાર બાદ વેચવાલીનું દબાણ વધતાં તે 609 પોઈન્ટથી વધુ તૂટીને 74,968 ના લેવલ સુધી સરી પડ્યો હતો.

સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ બિલકુલ નબળો સાબિત થયો હતો. નિફ્ટી પોતાના અગાઉના બંધ 23,635 ની સામે ઘટીને 23,522 ની સપાટીએ ખુલ્યો હતો. તે પછી ઝડપથી ઘટીને 23,477 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

બજારમાં આજના ઘટાડા પાછળ સૌથી મોટો ભાગ IT સેક્ટરનો રહ્યો છે. આઇટી કંપનીઓના શેર ક્રેશ થતા જોવા મળ્યા હતા. ટીસીએસ (TCS) થી લઈને ઇન્ફોસિસ (Infosys) સુધીના અગ્રણી આઇટી સ્ટોક્સમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારમાં એક તરફ ચોતરફ કડાકો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ આટલી મોટી ગિરાવટ વચ્ચે પણ કેટલાક શેરોએ મજબૂતી બતાવી છે. પેટીએમ (Paytm) સહિતના કેટલાક ચોક્કસ શેરો આ રેડ ઝોન વાળા માર્કેટમાં પણ સારો દેખાવ કરી રહ્યા છે.