ચૂંટણીના પરિણામો સંપૂર્ણપણે અણધાર્યા અને સમજી ન શકાય એવા : ઉદ્ધવ ઠાકરે

November 23, 2024

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ ગઠબંધને બમ્પર બહુમતી સાથે વાપસી કરી છે. ભાજપ 133 બેઠકો સાથે મહાયુતિમાં સૌથી મોટો પક્ષ તરીકે સામે આવ્યો છે. શિવસેના 53 અને એનસીપીને 41 બેઠકો મળી છે. જયારે મહાવિકાસ અઘાડી 48 બેઠક પર સમેટાઈ ગઈ હતી. જેમાં કોંગ્રેસને 20 બેઠક, શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ને 15 બેઠક જ્યારે એનસીપી(શરદ પવાર)ને 10 બેઠક મળી હતી. 20 નવેમ્બરે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર એક તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના શાનદાર પ્રદર્શન અંગે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પરિણામો દર્શાવે છે કે આ લહેર નહીં પરંતુ સુનામી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સંપૂર્ણપણે અણધાર્યા અને સમજી ન શકાય એવા છે. પરંતુ અમે મહારાષ્ટ્રના અધિકારો માટે લડતા રહીશું. એવું લાગે છે કે એક જ ચૂંટણી છે અને માત્ર એક જ પક્ષ છે. લોકસભા ચૂંટણી પછી 4 મહિનામાં પરિસ્થિતિ આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ શકે છે. ભાજપના 'બટેંગે તો કટંગે' ના નારા પર ઠાકરેએ કહ્યું કે, તે કામ કરતું નથી. કેટલીક બાબતો બિનસાંપ્રદાયિક હોય છે જેમ કે બેરોજગારી, મોંઘવારી જે દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. તેથી જ તે કામ ન કર્યું.' ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને મહાવિકાસ અઘાડીને મત આપવા માટે જનતાનો આભાર માન્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો અણધાર્યું છે, જેનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે.