સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો

June 06, 2026

સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે શુક્રવારનો કારોબારી સત્ર અત્યંત આંચકાજનક સાબિત થયો હતો. વૈશ્વિક સ્તરે વ્યાજ દરો અંગે વધતી ચિંતા, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને મોંઘવારીની આશંકાઓ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં ક્યારેય ન જોયો હોય તેવો મોટો કડાકો નોંધાયો છે. વૈશ્વિક દબાણને કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓ એકઝાટકે નીચે ગબડી પડી છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે રાત્રિના ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

સોનાની સ્થિતિ: ઓગસ્ટ ડિલિવરી વાળું સોનું 2.62% એટલે કે Rs 4173 તૂટીને Rs 155313.00 ના દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. સમાચાર લખાવા સુધી તે 2.69% ના ઘટાડા સાથે Rs 155250.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જેમાં દિવસ દરમિયાન ઊંચી સપાટી Rs 158598.00 અને નીચી સપાટી Rs 155245.00 નોંધાઈ છે.

ચાંદીના રોકાણકારો માટે આ કડાકો બહુ મોટો હતો. જુલાઈ ડિલિવરી વાળી ચાંદી 5.88% એટલે કે એકઝાટકે Rs 15887 ના ઘટાડા સાથે Rs 248909.00 ના લો લેવલ પર આવી ગઈ હતી. મોડી રાત્રે તે 5.93% ના ઘટાડા સાથે Rs 249100.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. દિવસ દરમિયાન ચાંદીનો હાઈ લેવલ Rs 261892.00 રહ્યો હતો.

સોના-ચાંદીમાં આવેલા આ ભયાનક ભૂકંપ પાછળ અમેરિકાના આર્થિક આંકડા જવાબદાર છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ (BLS) દ્વારા શુક્રવારે સાંજે જારી કરાયેલા અહેવાલ મુજબ, અમેરિકામાં મે મહિના દરમિયાન નોન-ફાર્મ પેરોલ્સ (NFP) એટલે કે રોજગારની સંખ્યામાં 1,72,000 નો મોટો વધારો થયો છે. બજારના વિશ્લેષકો માત્ર 85,000 નવી નોકરીઓની આશા રાખીને બેઠા હતા, પરંતુ વાસ્તવિક આંકડો તેનાથી બમણો આવ્યો છે.