અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જતા સોનું ₹1,195 અને ચાંદી ₹6,084 તૂટી

April 13, 2026

ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં વૈશ્વિક સ્તરે ફરી તણાવનું માહોલ સર્જાયું છે. તેની સીધી અસર ભારતીય કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે, જ્યાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોકાણકારો માટે આજનો દિવસ આંચકાજનક રહ્યો છે, કારણ કે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹1,195 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹6,084 નો જંગી કડાકો બોલાયો છે.

માહિતી મુજબ સોનાના ભાવમાં આજે નોંધપાત્ર નબળાઈ જોવા મળી છે. અગાઉનો બંધ ભાવ ₹1,52,652 હતો, જ્યારે બજાર ખુલતાં તે ₹1,51,547 પર આવ્યો હતો. સમાચાર લખવા સુધી સોનું લગભગ ₹1,51,601 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધની સરખામણીએ અંદાજે 0.69 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ચાંદીમાં સોનાની તુલનામાં વધુ દબાણ જોવા મળ્યું છે. અગાઉનો બંધ ભાવ ₹2,43,274 હતો, જ્યારે ઓપનિંગમાં તે ₹2,38,362 પર આવી ગયો હતો. હાલમાં ચાંદી લગભગ ₹2,38,100 ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. શરૂઆતમાં જ ₹5,000થી વધુનો ઘટાડો નોંધાયો હતો અને કુલ ઘટાડો ₹6,084 સુધી પહોંચી ગયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના ભણકારા અને વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિમાં ફેરફારોને કારણે બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. સાથે જ ડોલરની મજબૂતી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે. હાલ બજારમાં વોલેટિલિટી યથાવત છે અને નીચલા સ્તરેથી થોડી સુધારાની કોશિશો પણ જોવા મળી રહી છે.