કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હાર્ટઍટેક? AIIMS-ICMRની સ્ટડીમાં થયો ખુલાસો

July 02, 2025

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને એઇમ્સ તરફથી કરવામાં આવેલી સ્ટડીમાં ખુલાસો થયો છે કે, કોવિડ-19 બાદ પુખ્ત વયના લોકોમાં અચાનક વધી રહેલા મોતના દરનો કોરોનાની રસી સાથે કોઈ સંબંધ નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે, યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેક અને કોરોનાની રસી વચ્ચે કોઈ લિંક નથી. મંત્રાલયનું કહેવું છે કે, ICMR તરફથી કરવામાં આવેલી સ્ટડીમાં કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ લિંક વિશે જાણ નથી થઈ. 2023માં મે મહિનાથી ઓગસ્ટ સુધીમાં દેશના 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હૉસ્પિટલોમાં આ સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડી એવા લોકો પર કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા પરંતુ, ઑક્ટોબર 2021થી માર્ચ 2023 વચ્ચે તેમનું અચાનક મૃત્યુ થયું હતું. સ્ટડી પરથી જાણ થાય છે કે, કોરોનાની રસીના કારણે યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ નથી વધ્યું. યુવાનોમાં અચાનક થઈ રહેલા મોતનું તેની સાથે કોઈ કનેક્શન નથી.  આ સ્ટડી એવા સમયે સામે આવી છે, જ્યારે દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી થઈ રહેલા મોતના કેસ વધ્યા છે. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ અચાનક થઈ રહેલા મોત પાછળનું કારણ સમજવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ સ્ટડીમાં અચાનક થતાં મોતનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલને માનવામાં આવ્યું છે. IMCR અને એમ્સની આ સ્ટડીને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આ નિવેદનના એક દિવસ બાદ જાહેર કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની રસી ઉતાવળમાં આપવામાં આવેલી મંજૂરી અને તેની વહેંચણી રાજ્યમાં યુવાનોના અચાનક મોતનું કારણ હોય શકે છે. તેમણે કોરોના રસીની સંભવિત સાઇડ ઇફેક્ટની સ્ટડી માટે એક પેનલ ગોઠવવાની જાહેરાત કરી હતી.