વાપી જીઆઇડીસીમાં આગ લાગતા દોડધામ, અઢી કલાકની જહેમત બાદ મેળવ્યો કાબૂ : કોઇ જાનહાનિ નહીં

July 02, 2025

વાપી જીઆઇડીસીના થર્ડફેઝમાં આવેલી કંપનીમાં આજે બુધવારે સવારે આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. લાશ્કરોએ અઢી કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના થર્ડફેઝમાં કારના વાઇપર બનાવતી કોમોફ્લેટ વાઇપર સિસ્ટમ નામક કંપની આવેલી છે. આજે બુધવારે સવારે અચાનક કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે વાપી મનપા, નોટિફાઇડ, જીઆઇડીસી સહિતના વિસ્તારના ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. લાશ્કરોએ લગભગ બેથી અઢી કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી.  જો કે આજુબાજુમાં આવેલી મોટી કંપનીના સંચાલકો અને કર્મચારીમાં ગભરાટ મચી ગયો હતો. જો કે લાશ્કરોની સર્તકતાને કારણે આજુબાજુની કંપની બચી ગઇ હતી. શેડમાં આગ સળગી ઉઠયા બાદ કંપની લપેટમાં આવી ગઇ હતી. વાઇપરના જથ્થા સહિત માલસામાન ખાખ થઇ ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી. એફ.એસ.એલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ માહિતી બહાર આવી શકશે. ઉદ્યોગનગર પોલીસની ટીમ પણ દોડી ગઇ હતી.