'ભારતમાં જઈને પ્રતિસ્પર્ધા કરીશું', ટ્રેડ ડીલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી મોટું નિવેદન

July 02, 2025

ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એવામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે, 'અમેરિકા અને ભારત વચ્ચે એક ટૂંક સમયમાં જ મોટો વેપાર કરાર થઈ શકે છે. ભારત હવે અમેરિકન કંપનીઓ માટે ટેક્સ ઘટાડવા માટે તૈયાર છે, જેનાથી અમેરિકન કંપનીઓને ભારતમાં વ્યવસાય કરવાની તક મળશે.' મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'મને લાગે છે કે ભારત સાથે આપણી પાસે એક અલગ પ્રકારનો વેપાર કરાર હશે. એક એવો કરાર જેમાં આપણે ભારતમાં જઈને ખુલ્લેઆમ પ્રતિસ્પર્ધા કરી શકીશું. ભારતે અત્યાર સુધી વિદેશી કંપનીઓ માટે બજાર ખોલ્યું નથી, પરંતુ હવે તે પરિવર્તનના સંકેતો બતાવી રહ્યું છે. જો ભારત આમ કરશે, તો અમેરિકા ઓછા ટેક્સ સાથે મજબૂત વેપાર કરાર કરશે.' ટ્રમ્પે 2 એપ્રિલે ભારત પર 26% ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની જાહેરાત કરી હતી, જેને 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. જોકે, 10% નો લઘુત્તમ ટેરિફ હજુ પણ લાગુ છે. જો બંને દેશો વચ્ચે આ કરાર થાય છે, તો તે વેપાર સંબંધોમાં મોટો વળાંક બની શકે છે. ટ્રમ્પના તાજેતરના નિવેદન બાદ ભારતના ડેરી ક્ષેત્રના કારણે બંને દેશો વચ્ચે વાતચીત અટકી ગઈ હતી.  ભારત સરકાર માટે ડેરી ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવી શક્ય નથી સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા ઇચ્છે છે કે ભારત અમેરિકન ઉત્પાદનો માટે તેનું ડેરી બજાર ખોલે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આ બાબતે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.  ભારતમાં ડેરી ક્ષેત્રએ લગભગ 8 કરોડ લોકોને રોજગારી આપે છે, જેમાંથી મોટાભાગના નાના ખેડૂતો છે. આવી સ્થિતિમાં, સરકાર માટે આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવી શક્ય નથી.