ટ્રમ્પના મસ્કને ડિપોર્ટ કરવાના નિવેદનથી ટેસ્લાનો શેર કડડભૂસ, ઈલોનની સંપત્તિમાં 12.1 અબજ ડૉલરનું ગાબડું

July 02, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કની મિત્રતા વિશ્વભરમાં ચર્ચાઈ હતી. સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પે મસ્કને પોતાના એડવાઇઝર પણ બનાવ્યા હતા. પરંતુ થોડા મહિનામાં જ આ મિત્રતા દુશ્મનાવટમાં તબદીલ થઈ છે. ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે આક્ષેપબાજી થઈ રહી છે. ગઈકાલે ટ્રમ્પે મસ્કનો વિરોધ કરતાં તેમના બિઝનેસને મળતી સબસિડી મુદ્દે તપાસ હાથ ધરવા સૂચન કર્યું હતું. 

ટ્રમ્પે ઈલોન મસ્કની કંપનીઓને મળતી સબસિડીમાં કાપ મૂકવાની ચીમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મસ્ક અમેરિકન સરકારની સબસિડી પર નિર્ભર છે. જો તે બંધ કરવામાં આવે તો મસ્કે પોતાની દુકાનને તાળા મારી સાઉથ આફ્રિકા પરત જતું રહેવું પડશે. ટ્રમ્પના આ નિવેદનના કારણે ટેસ્લાના શેર ગઈકાલે 5 ટકા સુધી તૂટ્યા હતા. ટેસ્લાનો શેર 16.95 ડૉલર (5.34 ટકા) તૂટી 300.71 ડૉલર પર બંધ રહ્યો હતો. તેના લીધે મસ્કને મંગળવારે 12.1 અબજ ડૉલરનું નુકસાન થયું હતું. એક દિવસમાં જ શેરમાં મોટી અફરાતફરી મચતાં મસ્કની નેટવર્થ ઘટી 351 અબજ ડૉલર થઈ હતી. જો કે, મસ્ક હજુ પણ વિશ્વના ટોચના ધનિકમાં પ્રથમ ક્રમે છે.

બીજી બાજુ મસ્કે પણ આ ટીકા પર પ્રતિસાદ આપતાં કહ્યું કે, મને વળતો જવાબ આપવાની ખૂબ ઇચ્છા થઈ રહી છે. પરંતુ હું મારી જાતને કંટ્રોલ કરી રહ્યો છું. હજારો યુઝર્સે મસ્કના આ સંયમના વખાણ કર્યા છે. ટ્રમ્પના નિવેદન બાદ મીડિયાએ સવાલ કર્યો હતો કે, તમે મસ્કને ડિપોર્ટ કરવા માગો છો? તેનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમે તેના પર વિચારી શકીએ છીએ. અમે ઈલોન માટે DOGE તપાસ હાથ ધરી છે. તમે જાણો છો DOGE શું છે. આ રાક્ષસ મસ્કને પછાડી શકે છે. તેણે ઘણી બધી સબસિડી લીધી છે. 

ઈલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચેનો અણબનાવ સતત વધી રહ્યો છે. મસ્કે ટ્રમ્પને જુઠ્ઠા કહ્યા હતા. જો કે, આ નિવેદન બાદ તેમણે માફી માગી હતી. હાલમાં જ ટ્રમ્પ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું 'વન બિગ બ્યૂટીફૂલ બિલ'નો પણ મસ્કે વિરોધ કર્યો હતો. તેને ટેક્સનો બોજો વધારનારો અને અમેરિકાને કંગાળ કરનાર ગણાવ્યું હતું. વિવાદો વચ્ચે અમેરિકાની સેનેટે મંગળવારે આ બિલને મંજૂરી આપી દીધી છે. હવે બિલ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ સમક્ષ રજૂ કરવામાં આવશે.