ઈરાને હજુ સુધી ખામેનેઈની દફનવિધિ નથી કરી, સામે આવ્યું ચોંકાવનારું કારણ

April 19, 2026

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં મોત થયું હતું, પરંતુ તેમના શરીરને ઈરાન તરફથી અત્યાર સુધી અંતિમ વિદાય આપવામાં આવી નથી. ઘણા અઠવાડિયા વીતી ગયા હોવા છતાં ઈરાની અધિકારીઓએ તેમની અંતિમવિધિ અંગે નિર્ણય લીધો નથી. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના ઘણા અઠવાડિયા પછી પણ તેમને સુપુર્દ-એ-ખાક કરવા અંગે નિર્ણય લઈ શકાયો નથી. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ અધિકારીઓ આ માટે સુરક્ષા કારણો અને લોજિસ્ટિક પડકારોનો હવાલો આપી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ઈરાની અધિકારીઓ મોટા જાહેર કાર્યક્રમ સાથે જોડાયેલા જોખમોનું આંકલન કરી રહ્યા છે, તેની સાથે સંભવિત ઈઝરાયલ હુમલાના ભય અને જનસભા દરમિયાન અશાંતિની શક્યતાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રસીઝના બેહનમ તાલેબ્લુએ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં સરકાર આ પ્રક્રિયાને આગળ વધારવામાં ખચકાઈ રહી છે. તેમણે સંઘર્ષ વચ્ચે તેહરાન સામે રહેલી અનેક નબળાઈઓ તરફ ઈશારો કરતા કહ્યું, 'સીધા શબ્દોમાં કહીએ તો, શાસન એટલું ડરેલું અને એટલું નબળું છે કે જોખમ લેવાની હિંમત કરી શકતું નથી.' 86 વર્ષીય આયતુલ્લા અલી ખામેનેઈ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા હતા, જેનાથી ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ભડક્યો હતો. આ ઘટના પછી અત્યાર સુધી ખામેનેઈને અંતિમ વિદાય આપવામાં આવી નથી. 1989માં જ્યારે આયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈનીનું નિધન થયું હતું, ત્યારે તેમના માટે ભવ્ય સ્ટેટ ફ્યુનરલ યોજાયું હતું, જેમાં તે સમયે તેહરાનમાં લાખો લોકો એકઠા થયા હતા.