મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિમાં ડખા! અજિત પવાર PM મોદીની રેલીમાં ન આવતા અટકળો શરૂ

November 15, 2024

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (14 નવેમ્બર) મુંબઈના દાદરમાં વિશાળ રેલી યોજી હતી, જોકે, આ રેલીમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર અને તેમની પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો નહોતો. અજિત પવારના પક્ષ સિવાય શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI) સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન હાજર હતા. હવે અજિત પવાર અંગે અનેક અટકળોએ જોર પકડ્યું છે.

PM મોદીએ રેલી દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'મહાવિકાસ અઘાડીના લોકો તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. આ એ જ આઘાડી છે જે રામ મંદિરનો વિરોધ કરે છે. ભગવા આતંકવાદ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવા ઠરાવ પસાર કરે છે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મારી છેલ્લી જનસભા છે. મેં દરેક ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી છે. આખા મહારાષ્ટ્રના આશીર્વાદ આજે મહાયુતિ સાથે છે.'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'મહાવિકાસ અઘાડીના લોકો માટે તેમની પાર્ટીને દેશથી ઉપર ગણે છે. જ્યારે ભારત પ્રગતિ કરે છે, ત્યારે અઘાડીના લોકોને પીડા થાય છે. આ લોકો ભારતની ઉપલબ્ધિઓ પર સવાલ ઉઠાવે છે. અઘાડીના લોકો જાતિના નામે લોકોને લડાવવામાં લાગેલા છે. કોંગ્રેસ પાણી વગરની માછલીની જેમ સરકાર બનાવવા માટે તરસી રહી છે.