દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે રાજકીય ધમાસાણ :તો કોંગ્રેસ-ભાજપે આપ સરકારના કામ પર ઉઠાવ્યા સવાલ

October 18, 2024

દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની પ્રજાએ દર દિવાળીના તહેવારોની જેમ આ વખતે પણ પ્રદૂષણ વચ્ચે તહેવાર ઉજવવાની સ્થિતિ ઉભી થઈ છે. રાજધાનીમાં ફરી પ્રદૂષણમાં વધારો થતા આપ સરકાર દોડતી થઈ ગઈ છે. સરકારે સતત વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ને ધ્યાને રાખી હાઈલેવલ બેઠક બોલાવી છે. બેઠક બાદ દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે ભાજપ પર ડ્રામાનો ગંભીર આક્ષેપ કર્યો છે, તો બીજીતરફ કોંગ્રેસ અને ભાજપે પણ આપ સરકારની કામગીરી પર આંગળી ચિંધી છે. પ્રદૂષણ મામલે આજે યોજાયેલી આપની બેઠક બાદ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, મુંડકા, દ્વારકા સેક્ટર-8, પંજાબી બાગ, આર.કે.પુરમ, આનંદ વિહાર સહિત દિલ્હીમાં 13 સ્થળોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ નબળી શ્રેણીમાં છે. દિલ્હી સરકારના અધિકારીઓને જમીન પર તહેનાત કરવા સૂચના અપાઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશની ડીઝલ બસોને કારણે આનંદ વિહારમાં AQIમાં વધારો થયો છે. આ દરમિયાન તેમણે ભાજપ પર નાટક કરવાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે રાજધાનીના પ્રદૂષણ મામલે આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી રાયે કહ્યું કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનરને પ્રદૂષણ હૉટસ્પૉટના પ્રભારી બનાવાયા છે. દિલ્હીના અધિકારીઓને ગ્રાઉન્ડ પર તહેનાત રહેવાનો નિર્દેશ આપ્યો છે. યુપીની ડીઝલ બસોના કારણે આનંદ વિહારમાં પ્રદૂષણ વધ્યું છે. દિલ્હી સરકારની એજન્સીઓએ તમામ 13 હૉટસ્પૉટ પર પ્રદૂષણ વધવાના કારણોની ઓળખ કરી છે. 13 હૉટસ્પૉટ પર 80 મોબાઈલ એન્ટી-સ્મૉગ ગન તહેનાત કરવાની તૈયારી શરૂ કરાઈ છે. આ ઉપરાંત કોર્પોરેશનને હૉટસ્પૉટ સ્થળો પર વોટર સ્પ્રિંકલરથી છંટકાવ કરવાનો પણ નિર્દેશ અપાયો છે.