NDA કાર્યકર્તાઓના વખાણ, સોરેનને પણ શુભકામના, PM મોદીની પ્રતિક્રિયા

November 23, 2024

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ (NDA)ની ભવ્ય જીત પર ખુશી વ્યક્ત કરી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘વિકાસની જીત ! સુશાસનની જીત ! આપણે એક થઈને વધુ ઊંચાઈઓ ઉપર પહોંચીશું ! એનડીએને ઐતિહાસિક જીત અપાવવા બદલ મહારાષ્ટ્રની મારી બહેનો અને ભાઈઓ, ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને હાર્દિક અભિનંદન... તમારો સ્નેહ અદ્વિતીય છે. હું લોકોને આશ્વાસન આપું છું કે, અમારુ ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર.’


આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વધુ એક પોસ્ટ કરી એનડીએના કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, એનડીએના પ્રજાલક્ષી પ્રયાસો સર્વત્ર ગૂંજી રહ્યા છે. હું વિવિધ પેટાચૂંટણીઓમાં એનડીએના ઉમેદવારને આશિર્વાદ આપવા બદલ વિવિધ રાજ્યોના લોકોનો આભાર માનું છું. અમે તેમના સપનાઓ અને આકાંક્ષાઓ પૂરા કરવા માટે કોઈપણ કસર નહીં છોડીએ. મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ઝારખંડની ચૂંટણીમાં JMMની જીત બદલ હેમંત સોરેનને અભિનંદન પાઠવી એક્સ પર લખ્યું છે કે, ‘હું ઝારખંડના લોકોનો અમારા તરફના સમર્થન માટે આભાર માનું છું. અમે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં અને રાજ્ય માટે કામ કરવામાં હંમેશા અગ્રેસર રહીશું. હું JMMના નેતૃત્વવાળા ગઠબંધનને પણ રાજ્યમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન આપું છું.