રાહુલ ગાંધી પર શંકરાચાર્ય ભડક્યા, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત

May 04, 2025

દિલ્હી : જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. શંકરાચાર્યએ રાહુલ ગાંધીના હિન્દુ ધર્મથી સાર્વજનિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે.


બદ્રીનાથ સ્થિત શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, 'રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિના સંદર્ભમાં જે નિવેદન આપ્યું, તેનાથી સંપૂર્ણ સનાતન ધર્મના અનુયાયીઓ દુઃખી છે. રાહુલ ગાંધી સંસદમાં કહે છે કે બળાત્કારીને બચાવવાનો ફોર્મ્યૂલા બંધારણમાં નથી તમારા પુસ્તક એટલે કે મનુસ્મૃતિમાં લખ્યું છે.' તેમણે જણાવ્યું કે, 'રાહુલ ગાંધીને ત્રણ મહિના પહેલા એક નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેમણે એ સ્પષ્ટ કહ્યું હતું કે, તેમણે મનુસ્મૃતિમાં જે વાત કહી છે, તે ક્યાં લખી છે? પરંતુ આટલા સમય બાદ પણ ન તો રાહુલ ગાંધીએ કોઈ જવાબ આપ્યો અને ન તો માફી માગી.'


શંકરાચાર્યએ કહ્યું કે, 'જ્યારે કોઈ વ્યક્તિ સતત હિન્દુ ધર્મગ્રંથોનું અપમાન કરે છે અને સ્પષ્ટીકરણ આપવાથી બચે છે, તો તેને હિન્દુ ધર્મમાં સ્થાન ન આપી શકાય. હવે રાહુલ ગાંધીનો મંદિરોમાં વિરોધ થવો જોઈએ અને પુજારીઓને અપીલ છે કે તેઓ તેમની પુજા ન કરે કારણ કે તેઓ પોતે હિન્દુ કહેવાના અધિકારી નથી.' આ નિવેદન પર ઉત્તરપ્રદેશ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે વારાણસીમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધીને કોઈએ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તેમનાથી મોટું શિવભક્ત કોઈ નથી. રાહુલ ગાંધીએ એકલા છે જેમણે માનસરોવરની યાત્રા કરી છે અને તેમણે કેદારનાથની પદયાત્રા કરીને દર્શન-પૂજન કર્યા છે.'