ગદ્દાર' કહેતા શિંદે ભડક્યા, ગુસ્સામાં કાફલો અધવચ્ચે રોકીને કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા

November 12, 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. જેમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડીના નેતાઓ એક-બીજા પર આકરા પ્રહારો કરી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મહાયુતિ અને એમવીએ વચ્ચે તીખા પ્રહારોના કારણે રાજકારણ સમસમી ઉઠ્યું છે. હાલમાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર કહેવા બદલ તેઓ ઉશ્કેરાયા હતા. વીડિયોમાં મુખ્યમંત્રી પોતાના કાફલાને અધવચ્ચે રોકીને કોંગ્રેસના કાર્યલય જતા જોવા મળી રહ્યા છે.


એકનાથ શિંદેની રેલી નસીમ ખાનની ઓફિસની બહારથી પસાર થઈ રહી હતી. ત્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના પક્ષ શિવસેના યુબીટીના કાર્યકરોએ ગદ્દાર....ગદ્દાર...ના સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં સંતોષ કાટકે નામના યુવકે મુખ્યમંત્રી વિરૂદ્ધ અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જેનાથી મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા અને રોષમાં આવી કારમાંથી નીચે ઉતરી નસીમ ખાનની ઓફિસની અંદર ગયા હતા.


એકનાથ શિંદેએ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે પક્ષના નેતાઓને ઓફિસમાં જઈ સવાલ કર્યો હતો કે, શું તમે તમારા કાર્યકરોને આવુ શીખવો છો, આ પ્રકારનો તોછડો વ્યવહાર કરતાં તમે શીખવી રહ્યા છો? પોલીસ કર્મીઓએ આ ઘટનામાં સંતોષ કાટકે અને અન્ય અમુક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. જો કે, બાદમાં તેમને ચેતવણી આપી છોડી મૂક્યા હતાં. આ વીડિયો ગઈકાલ મોડી રાતનો હોવાનું જાણવા મળ્યું છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


સંતોષ કાટકે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠાવલે જૂથ)ના જિલ્લા અધ્યક્ષ છે. આ ઘટના સંદર્ભે સંતોષે કહ્યું કે, મુખ્યમંત્રી અમારા કાર્યાલય આવ્યા હતા, અને મારા પિતાને પૂછ્યું હતું કે, તમારા કાર્યકારોમાં કોઈ અનુશાસન કે શિસ્તબદ્ધતા છે કે નહીં. તેમણે અમને જોઈ લેવાની ધમકી પણ આપી, તો શું તેમને ગદ્દાર કહેવા ગુનો છે?