શ્રીરામને રાહુલ ગાંધીએ 'પૌરાણિક પાત્ર' ગણાવતા BJP ભડકી

May 04, 2025

દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટસન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચર્ચા દરમિયાન ભગવાન શ્રીરામને 'પૌરાણિક પાત્ર' ગણાવ્યા હતા. આ નિવેદન પર ખળભળાટ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને રામ વિરોધી અને હિન્દુ વિરોધી કહીને તેમના પર આક્રમક પ્રહારો કર્યા હતા.


રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, 'હિન્દુ રાષ્ટ્રવાદના સમયમાં બધા સમુદાયોને સાથે લઈને ચાલતી ધર્મનિરપેક્ષ રાજનીતિ કેવી રીતે બનાવી શકાય?' તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'ભગવાન રામ જેવા આપણા પૌરાણિક પાત્રો દયાળુ અને ક્ષમાશીલ હતા. હું ભાજપની વિચારધારાને હિન્દુત્વ નથી માનતો. મારા માટે અસલી હિન્દુ વિચારધારા બહુલતાવાદી, સહિષ્ણુ અને પ્રેમાળ છે.' તેમણે આગળ વધુમાં કહ્યું કે, ભાજપ એક "ફ્રિન્જ ગ્રુપ" છે, જેણે સત્તા અને સંસાધનો પર કબજો કરી લીધો છે. પરંતુ આ ભારતની મુખ્યધારાની વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરતું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ભારતમાં કોઈ પણ મહાન સમાજ સુધારક અને રાજકીય વિચારક કટ્ટરપંથી નથી રહ્યો અને ભાજપ દ્વારા કરવામાં આવતી વાતને હું હિન્દુ વિચારધારા માનતા નથી.


રાહુલના આ નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસની ઓળખ હવે ભગવાન રામ અને હિન્દુઓના વિરોધ સાથે જોડાયેલી છે.' પાર્ટીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતા લખ્યું, 'રામના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ હવે તેમને પૌરાણિક પાત્ર કહી રહી છે. આ એ જ પાર્ટી છે જેણે રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો અને 'હિન્દુ આતંકવાદ' નો ખ્યાલ આપ્યો હતો. અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ રામ મંદિરના અભિષેકમાં પણ ભાગ લીધો ન હતો. આ તેમની ભગવાન રામ અને હિન્દુ વિરોધી માનસિકતા દર્શાવે છે.