ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લોકોનાં મોત

May 05, 2025

ગોવાના પ્રખ્યાત લહરાઈ દેવી મંદિરમાં શનિવારે ભાગદોડ સર્જાઈ હતી. આ ભાગદોડમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે. જ્યારે 40 કરતા વધારે શ્રાદ્ધાળુઓ ઘવાયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર ગોવાના એસપી અક્ષત કૌશલના જણાવ્યા અનુસાર ભાગદોડની આ ઘટના શા માટે સર્જાઈ તેની હજુ સુધી જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.

અહેવાલો અનુસાર દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરંપરાગત જાત્રામાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. ભારે ભીડને કારણે ત્યાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત પણ ઈજાગ્રસ્તોને મળવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ ઘટના સામે દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોવાના શ્રીગાંવ અંગે ઘણી બધી કહાણીઓ પ્રચલિત છે.

માતાજીની જાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઊમટી હતી. ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ માતાજીની જાત્રામાં સામેલ થવા માટે આવ્યા હતા. પોલીસના અનુસાર ભારે ભીડને કારણે અચાનક જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અહીં ભાગદોડ જેવી સ્થિતિનું સર્જન થયું હતું.