24 જ કલાકમાં મહારાષ્ટ્રના નવા CMના નામની થશે જાહેરાત: વિનોદ તાવડે

November 23, 2024

દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી ગઈ છે. ભાજપ 133 બેઠકો સાથે મહાયુતિમાં સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. શિવસેનાને 53 અને એનસીપીને 41 બેઠકો મળી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને પૂછવામાં આવ્યું કે, મહાગઠબંધનમાં ભાજપને સૌથી વધુ બેઠકો છે, તો શું આ વખતે મુખ્યમંત્રી ભાજપનો જ હશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના ટોચના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે. 

મુખ્યમંત્રી કઈ પક્ષના હશે તેના જવાબમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. તાવડેએ કહ્યું કે, 'સરકારના વડા કોણ હશે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મળીને કેન્દ્રીય નેતૃત્વ આજે રાત્રે અથવા આવતી કાલ બપોર સુધીમાં નક્કી કરશે.' તાવડેએ કહ્યું, 'કેન્દ્રીય નેતૃત્વની બેઠક બાદ જ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. હું અટકળોમાં માનતો નથી, હું તથ્યો પર વાત કરું છું. હકીકત એ છે કે, કેન્દ્રમાં નેતૃત્વ સાથે બેઠક કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ જનાદેશ ભાજપ, શિવસેના અને એનસીપીના પક્ષમાં છે એટલે કે મહાયુતિના પક્ષમાં છે.
વિનોદ તાવડેએ કહ્યું, 'બંધારણ મુજબ 26મીએ નવી સરકારની રચના થવી જોઈએ, આ વાત પાક્કી છે. આજે તમામ કેન્દ્રીય નેતાઓ ભાજપ હેડક્વાર્ટર ખાતે મળીને આ જીતની ઉજવણી કરશે. સંસદીય બોર્ડની બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવશે.