મહારાષ્ટ્રના પરિણામો અનપેક્ષિત, અમે વિગતવાર વિશ્લેષણ કરીશું : રાહુલ ગાંધી

November 23, 2024

મહારાષ્ટ્રમાં હાર બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા


મુંબઈ : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ઝારખંડના લોકોનો INDIA ગઠબંધનને વિશાળ જનાદેશ આપવા બદલ દિલથી ધન્યવાદ. મુખ્યમંત્રી હેમંત સોરેન, કોંગ્રેસ અને જેએમએમના તમામ કાર્યકર્તાઓને આ જીત બદલ હાર્દિક શુભકામના. રાજ્યમાં ગઠબંધનની જીત બંધારણની સાથે જળ, જંગલ અને જમીનની સુરક્ષાની જીત છે.


રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, મહારાષ્ટ્રના પરિણામો અનપેક્ષિત છે. અમે આનું વિગતવાર વિશ્લેષણ કરીશું. રાજ્યના તમામ મતદાર ભાઈઓ અને બહેનોનો તેમના સમર્થન બદલ અને તમામ કાર્યકરોનો તેમની મહેનત બદલ આભાર. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં INDIA ગઠબંધના સાથી પક્ષો જેએમએમએ 32 બેઠકો, કોંગ્રેસે 16 અને RJDએ 4 બેઠક સહિત કુલ 56 બેઠકો જીતી છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને 24 બેઠકો જીતી છે. રાજ્યમાં કુલ 82 બેઠકો છે, જેમાં બહુમતીનો આંકડો 41 છે. સૌથી બેઠકો જીતનાર હેમંત સોરેનની પાર્ટી JMMનું ફરી સરકાર બનાવવાનું નિશ્ચિત છે.