'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન

July 05, 2025

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન જ્યારે આ ડીલ અંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલનું નિવેદન સામે આવ્યું હતું, ત્યારે હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પિયૂષ ગોયલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા એક્સ પર પોસ્ટ કરી હતી.  રાહુલ ગાંધીએ પોતાની X પોસ્ટમાં કહ્યું કે, 'મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ડેડલાઈન સામે ઝૂકશે. પિયૂષ ગોયલ ગમે તેટલી બડાઈ કરે, મારા શબ્દો લખી લો, પીએમ મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઈન સામે ઝૂકી જશે.' કોંગ્રેસ નેતાએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફને લઈને તણાવ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે, 'ભારત પોતાની શરતો પર ટ્રેડ ડીલ કરે છે. અમેરિકા, યુરોપિયન યુનિયન, ન્યુઝીલેન્ડ, ઓમાન, ચિલી અને પેરુ જેવા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. ભારત ત્યારે જ કરાર કરે છે જ્યારે બંને દેશોને ફાયદો થાય અને ભારતના હિતોનું રક્ષણ થાય. દેશનું હિત આપણા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. ભારત કોઈપણ ડેડલાઈનના દબાણ હેઠળ કરાર કરતું નથી. અમે ફક્ત ત્યારે જ કરારને મંજૂરી આપીએ છીએ જ્યારે તે દેશ માટે સારું હોય.' ભારત દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે તે કોઈપણ દબાણ હેઠળ ટ્રેડ ડીલ કરશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 100 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા હતા, જેમાં ભારત પર 26% ટેરિફ લાદવામાં આવ્યો હતો. જોકે પાછળથી અમેરિકાએ આ ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા હતા, પરંતુ આ ડેડલાઇન 9 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે. આ કારણે, આ ટ્રેડ ડીલ અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે.