બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા

July 05, 2025

 બિહારના મોટા વેપારી અને ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની પટનામાં તેના જ એપાર્ટમેન્ટની સામે હત્યા કરી દેવાતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં એક શૂટર એપાર્ટમેન્ટના ગેટની બહાર તેના આવવાની રાહ જોતો જોવા મળી રહ્યો છે. હેલ્મેટ પહેરેલો હત્યારો રાત્રે 11:38 વાગ્યે ખેમકાને 6 સેકન્ડમાં ગોળી માર્યા બાદ એક સ્કૂટીથી ફરાર થઈ ગયો. ખેમકાની કારની પાછળ પણ એક કાર છે, પરંતુ તે કારમાં બેઠેલા લોકો હજુ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં હત્યારો નાસી ગયો હતો. વીડિયોમાં ગેટ ખોલવા આવતો ગાર્ડ પણ જોવા મળી રહ્યો છે. ખેમકાની કાર ગેટ પાસે પહોંચવાના લગભગ 20 સેકન્ડ બાદ ગાર્ડ આવતો નજરે પડી રહ્યો છે.

ગોળી વાગ્યા બાદ ગોપાલ ખેમકાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ હત્યા કેસમાં પોલીસને શંકા છે કે હત્યાનું ષડયંત્ર બેઉર જેલમાં રચાયું હતું, એટલા માટે પટના પોલીસની કેટલીક ટીમે હાલ જેલમાં તપાસ માટે પહોંચી છે.

ગોપાલ ખેમકાના ભાઈ શંકર ખેમકાએ જણાવ્યું કે, 'ગોપાલ બાંકીપુર ક્લબના ડાયરેક્ટર હતા અને રાત્રે તેઓ પરત ફરી રહ્યા હતા. ગોપાલ નિયમિત રીતે ક્લબ જતા હતા. ઝઘડો કે વિવાદ ન હતો. દુશ્મની જેવી કોઈ વાત હોત તો ભાઈ રાત્રે આ રીતે પરત ન ફરે. પોલીસ તપાસ કરે અને જણાવે કે ગોપાલની હત્યા કોણે કરી અને શા માટે કરી. માહિતી મળ્યા બાગ ગાંધી મેદાન પોલીસ રાત્રે 1:30 વાગ્યે, ટાઉન ડીસીપી એસપી પૌણા 2 વાગ્યે અને સીટી એસપી 2:30 વાગ્યે પહોંચ્યા હતા.'

ગોપાલ ખેમકા હત્યાકાંડને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે કાયદો વ્યવસ્થા હાથમાં લેનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આરોપીઓને ઘરમાં ઘુસીને મારશે. જે અધિકારીઓની બેદરકારીથી આવી ઘટના બની છે, તેમને પણ છોડવામાં નહીં આવે. આગામી 24 કલાકમાં સંબંધિત પદાધિકારીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાશે. આ હત્યાકાંડની તપાસ માટે SITની રચના કરી દેવાઈ છે અને ટીમને કડક કાર્યવાહીના નિર્દેશ અપાયા છે.'