ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,060 લોકોના મોત

July 09, 2025

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યું. યુદ્ધ દરમિયાન, બંને દેશોએ સતત એકબીજા પર હુમલો કર્યો. દરમિયાન, ઈરાની સરકારે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની નવી સંખ્યા જાહેર કરી છે. ઈરાની સરકારે કહ્યું છે કે ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 1,060 લોકો માર્યા ગયા છે અને આ આંકડો પણ વધી શકે છે.

ઈરાનના 'ફાઉન્ડેશન ઓફ માર્ટીર્સ એન્ડ વેટરન્સ અફેર્સ'ના વડા સઈદ ઓહાદીએ સોમવારે મોડી રાત્રે ઈરાની સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા એક ઇન્ટરવ્યુમાં મૃતકોની સંખ્યા વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ઓહાદીએ એમ પણ કહ્યું હતું કે જે રીતે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તે જોતાં મૃત્યુઆંક 1,100 સુધી પહોંચી શકે છે.

અગાઉ ઈરાને યુદ્ધ દરમિયાન ઇઝરાયલના 12 દિવસના બોમ્બમારાથી થતી અસરોને ઓછી આંકી હતી, જ્યારે આ હુમલાઓએ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરી દીધી છે. યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી, ઈરાન ધીમે ધીમે વિનાશની હદ સ્વીકારી રહ્યું છે. જોકે, તેણે હજુ સુધી તેની સેનાને કેટલું નુકસાન થયું છે તે જાહેર કર્યું નથી. વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર કાર્યકર્તા જૂથે જણાવ્યું હતું કે હુમલામાં 436 નાગરિકો અને 435 સુરક્ષા દળોના સભ્યો સહિત 1,190 લોકો માર્યા ગયા છે. 4,475 લોકો પણ ઘાયલ થયા છે.