વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 3નાં મોત

July 09, 2025

વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે પાંચ લોકોના રેસ્ક્યૂ કરાયા હતા. 

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા. 

બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાઈ હતી.