અમદાવાદમાં ગુરુકુળ નજીક ઇમારતમાં ભીષણ આગ, 15 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે

May 22, 2025

અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી છે. ટાવરના નવમાં માળે ગેસનો બાટલો ફાટવાથી અથવા એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

મળતી માહતી અનુસાર, પૂર્વી એપાર્ટમેન્ટમાં 9માં માળે એક મકાનમાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ, ફાયરની 15 ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સતત પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 

પ્રાથમિક માહિતી અનુસાર, ઘરમાં એસી બ્લાસ્ટ અથવા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હોય શકે છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. નોંધનીય છે કે, હજુ સુધી સમગ્ર મામલે કોઈ જાનહાનિની માહિતી સામે નથી આવી. હાલ ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.